suratnews
સુરત શહેરમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે, ત્યારે સુરતની વિવિધ બ્લડ બેંકમાં પ્લાઝમાની સતત માંગ વધી રહી છે. સુરતની અલગ-અલગ બ્લડ બેંકોમાં રોજની 40થી 60 જેટલી પ્લાઝમાની માગ થઇ રહી છે. કોરોના સંક્રમિત થઈ ગયા પછી જે દર્દીઓ સારા થઈ ગયા હોય તેઓ પ્લાઝમા ડોનેટ કરી શકે છે, તે પ્લાઝમા અન્ય દર્દીઓ માટે મદદરૂપ પુરવાર થઈ શકે છે. સુરતની વિવિધ બ્લડ બેન્કમાં મોટા પ્રમાણમાં પ્લાઝમાની જરૂરિયાત વર્તાઇ રહી છે, પરંતુ, પ્લાઝમા ડોનેટ કરનારા લોકોની સંખ્યા ખુબ ઓછી છે, જે બ્લડ બેંકો માટે ચિંતાનો વિષય બન્યો છે.
બ્લડ બેંકોમાં બ્લડ આપવા આવનાર રક્તદાતાઓ ખુબ ઓછા છે
સુરત બ્લડ બેંકના સંચાલકો દ્વારા બ્લડ એકત્રિત કરવું અત્યારે મુશ્કેલ બની રહ્યું છે. કોરોનાનો નવો ટ્રેન્ડ સામે આવ્યા પછી એકાએક જ કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. બ્લડ બેંકોમાં બ્લડ આપવા આવનાર રક્તદાતાઓ ખુબ ઓછા જોવા મળી રહ્યા છે. બીજી તરફ સંક્રમણને કારણે બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું નથી. એવા સંજોગોમાં બ્લડ બેંકોમાં પૂરતા પ્રમાણમાં બ્લડ એકત્રિત કરી શકાતું નથી તેમજ પ્લાઝમાની જે માંગ ઊભી થઈ છે, તેને પણ પૂર્ણ કરવામાં બ્લડ બેંકો અસમર્થ દેખાઈ રહી છે.
બ્લડ બેંકમાં ખુબ મોટી મુશ્કેલી સર્જાઇ શકે છે
લોક સમર્પણ બ્લડ બેંકના સંચાલક હરિભાઈએ જણાવ્યું હતું કે, વેક્સિન લીધા પહેલા રક્તદાતાઓએ રક્ત આપવું જોઈએ. વેક્સિનના લીધા બાદ બ્લડ ડોનેટ કરવામાં 40થી 45 દિવસનો સમય લાગે છે. હાલ જે રીતે યુવાનો વેક્સિન લેવાનું શરૂ કર્યું છે, ત્યારે તેઓ પોતે ઈચ્છતા હોય તો પણ 45 દિવસ કરતાં વધુ સમય સુધી બ્લડ આપી શકશે નહીં. તેને કારણે બ્લડ બેંકમાં ખુબ મોટી મુશ્કેલી સર્જાઇ શકે છે. વેક્સિન આપવા પહેલા રક્તદાન કરવામાં આવે તે હાલની પરિસ્થિતિ જોતા ખુબ જ જરૂરી છે. વિવિધ બ્લડ બેંકના સંચાલકો દ્વારા વેક્સિનેશન પહેલા બ્લડ બેંક ઉપર આવીને રક્તદાતાઓ રક્ત આપે તેવા તમામ પ્રયાસો કરી રહ્યા છે .જેથી કરીને આવનાર દિવસોમાં મુશ્કેલી ન ઉભી થાય.
પ્લાઝમાની અછત સાથે સાથે રક્તદાતાઓની સંખ્યાઓમાં ઘટાડો
સુરત શહેરની વિવિધ બ્લડ બેંકમાં પ્લાઝમાની અછત સાથે સાથે રક્તદાતાઓને સંખ્યાઓમાં પણ નોંધનીય ઘટાડો થઈ રહ્યો છે. હાલ સુરત શહેરમાં જે રીતે લોકો સંક્રમિત થઈ રહ્યા છે, તે જોતા રક્તદાન ખુબ ઓછું થઈ રહ્યું છે, જેની સામે માગ સતત વધી રહી છે.
टिप्पणियाँ
एक टिप्पणी भेजें